વચનામૃત વરતાલનું - ૧૭
સંવત ૧૮૮૨ના પોષ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેનાં ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતાં, માટે જ્ઞાનીને જિતેન્દ્રિય કહ્યા છે તે કઈ રીતે જાણવા ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ છે તેને જાણે, અને ભગવાનની મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે, તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવાં પડે છે તેને પણ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશે અભાવ આવે છે, ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે, ને જે સાથે જેને વૈર થયું તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ, એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશે અભાવ થઈ જાય તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ, કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય. (૧)
૨ પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, (૨) એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ, પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ-વર્ણાશ્રમ તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં મળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ, જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે, ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ, અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તોપણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે, માટે ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે, કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેઈ રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીએ તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય, માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું, અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી, શા માટે જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તોપણ ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂનપણે રહેવું નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી શ્રેષ્ઠ છે, ને ભગવાનની કૃપાનું પાત્ર છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૨૧૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે તેને જાણીને અમારી નવધાભક્તિએ પોતાનું જીવિતવ્ય પૂરું કરે, અને પંચવિષયમાં આસક્ત થાય નહિ, તે જિતેન્દ્રિય છે. (૧) બીજામાં કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં કામાદિક વિકારનો ત્યાગ કરીને પોતાના નિયમમાં રહીને અમારી ને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરે એ ત્યાગી કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં નિવૃત્તિમાર્ગવાળા ત્યાગી સંતને અમારી તથા અમારા ભક્તની સેવારૂપ પ્રવૃત્તિને યોગે વિકાર થઈ આવે એમ કહ્યું તે કામાદિક વિકાર થઈ આવે એવી શી ક્રિયા હશે ?
૨ ઉ. દેવની સેવામાં રહ્યા હોય ત્યાં સ્ત્રી આદિક દેખવામાં આવી જાય, ને કોઈક વખત રજોગુણ આવ્યો તે સમે કામનો ખોટો સંકલ્પ થઈ જાય, તથા કોઠાર-ભંડારમાં રહ્યા હોય તે બીજા સંતને સેવા બતાવે તે કહ્યું ન માને ત્યારે તેના ઉપર ક્રોધ થઈ આવે, અને ઘણા પદાર્થ દીઠામાં આવે તેમાં પોતાનો સ્વાર્થ સાધવાનો સંકલ્પ થાય એ લોભ કહેવાય તથા ખાવાની વસ્તુ સારી હોય તેને ખાવાનો સંકલ્પ રહી જાય તે મોહ કહેવાય, તથા પોતાને કોઠાર કે ભંડારનો અધિકાર મળ્યો હોય તેનો ગર્વ આવે તે મદ કહેવાય, તથા પોતાથી નાના હોય તેની કોઈક પૂજા, સેવા, સન્માન કરે ને તેની ન કરે તો મત્સર આવે, તથા પોતે સેવા કરતો હોય તેના ફળની ઇચ્છા રહે જે હું સેવા કરું છું તે મને ઘી-દૂધ મળે કે ગાદી-તકિયો આપે તો ઠીક એવી ઇચ્છા રહે તે આશા કહેવાય, અને તે ઇચ્છા પૂરી ન થાય તો તેની તૃષ્ણા રહે, આ ઉપર કહ્યા તે દોષનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના નિયમમાં રહીને નિષ્કામભાવે સેવા કરે તો તેને કોઈ જાતનું બંધન થાય નહીં. ।।૧૭।।